બોર્ડ Exam પછી શું કરવું ? ઘર થી દુર ભણવા જવું કે નહી ? મારો દીકરો/દીકરી હજુ બહુ ભોળા છે. ચિંતા થાય છે ને?


           અત્યારે મસ્ત વેકેશન નો સમય છે એટલે મામા, માસી, કાકા, ફઈ ને ત્યાં બધા વેકેશન ની મજા માણતા હશે. અમુક આપણા મિત્રોએ બોર્ડ ની પરિક્ષા આપી હશે એટલે એમને તો ત્રણ ત્રણ મહિના ના જલસા હો બાકી. આ જલસા ની વાત કરીએ એટલે અમારા અમુક માસા માસી ને મનમાં થતું હશે. શું જલસા? હવે ઉપાદી છે કે હવે આગળ શું  ભણાવવું? હજુ રીઝલ્ટ કેવું આવશે?બહાર ભણવા મુકવા પડશે તો? હજુ મારો દીકરો/ દીકરી સાવ નાના છે ભોળા છે એને બહાર મુકવા નું મન થતું નથી. હજુ અમુક મમ્મીને તો એવી પણ ચિંતા હશે કે મારા દીકરાને બટેટા સિવાય બીજા શાક ભાવતા નથી એ બહાર કેમ રહશે? આવું થાય છે ને?

         પણ એ પેલા મારે વિદ્યાર્થીમિત્રોને એક વાત કહેવી છે.વ્હાલા વિદ્યાર્થીમિત્રો આજે હું તમારી મિત્ર બનીને એક સરસ નાની એવી વાર્તા કહું છુ જે મને મારા જીવન માં ઘણી ઉપયોગી નીવડી છે. વાત છે એક રાજા ની. એ રાજા ખુબ હોશિયાર હતો પણ હવે એની ઉમર થઈ ગઈ હતી અને પાછુ એને કોઈ સંતાન પણ ન હતું. હવે રાજપાઠની જવાબદારી શોપવી કોને? એટલે એણે એક સ્પર્ધા રાખી એમાં બધા લોકો ને જોડાવા ની છુટ હતી. આખું ગામ આવ્યું અને સ્પર્ધા  એવી હતી કે. એક દરવાજો હતો એના એક કિલોમીટર પછી બીજો એક દરવાજો હતો. હવે જે માણસ એક દરવાજે થી બીજા દરવાજે પહેલો નીકળે એ રાજા બનશે.એટલે બધા ને થયું લ્યો આમાં શુ? એટલે બધા તૈયાર થયા અંદર ગયા એટલે એક દુકાન આવી ત્યાં જેટલું જોઈયે અને જેવું જોઈએ એવું જમવાનું હતું એ પણ Free Free Free  એટલે અડધા લોકો એ બાજુ ગયા,એમ વિચારીને કે પેલા ખાઈ લઈએ પછી દોડશું.

         હજુ આગળ ગયા ત્યાં તો ગજબનો નજારો ; ભાઈ કેટરીના, કરીના ઓલી નવી આવી ને દિશા પટણી આવી બધી મોટી મોટી હિરોઈનો સાથે મફતમાં ડાન્સ કરવાનું  એટલે આવું કોણ મુકે ભાઈ!!! એટલે કેટલા બધા છોકરાઓ તો ત્યાં જ અટકી ગયા. થોડા  આગળ ગયા  એટલે અક્ષય કુમાર, સલમાન ખાન, વરુન ધવન આ બધા ને Free માં મળવાનું આવ્યું એટલે યુવતીઓ બધી એ બાજુ સચવાય ગઈ. હવે છેલ્લે ખાલી એક જ ભાઈ બીજા ગેટ માંથી નીકળ્યા.

           એટલે ઓલો રાજા એના પગમાં પડી ગયો.પછી રાજા એ પેલા માણસ ને પૂછ્યું, “તમને ઈચ્છા ન થઈ કઈ ખાવાની? તમને ઈચ્છા ન થઈ કેટરીના સાથે નાચવાની? ” ત્યારે ઓલા ભાઈએ મસ્ત જવાબ આપ્યો હા ઈચ્છા તો હતી પણ, જો ત્યારે હું એ પ્રલોભનો તરફ આકર્ષાયો હોત તો એ મજા થોડો સમય માટે જ હોત ને, પણ સ્પર્ધા તો આજે જ છે અને એક વખત હું સ્પર્ધા જીતી ને રાજા બની ગયો તો પછી આ બધા પ્રલોભનો નો લાભ ગમે તે ક્ષણે લઇ શકીશ અને હવે મારી પાસે પૈસા છે, નામ છે હવે હું ગમે ત્યારે ગમેં તે ખાવા માટે મગાવીશ. કેટરીનાથી સારી છોકરી મારા માટે ગોતીશ અને મને વિશ્વાસ છે કે એ હા પણ પાડશે કારણકે હવે હું રાજા છુ”. મિત્રો આશા રાખું છુ કે તમે સમજી જ ગયા હશો કે આ વાર્તા કહેવા શું માંગે છે. એજ કે પેલા ભણી લ્યો બીજી ખોટી આડા અવળી વાતમાં ન પડો પછી તમે રાજા જ છો.એટલે હું એમ નથી કહેતી કે પુસ્તકિયા કીડા બની ને રહો. ભણો,ગણો, સીખો સ્કુલ/કોલેજ માં મિત્રો બનાવો અને બધી ક્ષણ ને માણો, જલસા કરો,સાથે માતા પિતા અને તમારી મર્યાદાનું ભાન રાખો.

                   વિદ્યાર્થીમિત્રોને આ વાત કહ્યા પછી એમના Parents ને એક વાત કહેવી છે કે યાદ રાખો કે દુનિયા તો એક જ છે છતાં બધાની દુનિયા અલગ અલગ છે.તમારા બાળકો ની દુનિયાને ઓળખવાનો પ્રયત્ન કરજો.અને  એક દિલથી વિનંતી પણ કરું કે ક્યારેય તમારા બાળકોની બીજા ના બાળકો  સાથે સરખામણી કરવાની ભૂલ કરશો નહિ.લોકો  શું કહેશે? એ પણ બહું ધ્યાનમાં લેવાની બાબત છે જ નહી. કદાચ તમને એમ ચિંતા હશે કે બધા કહેતા હોય કે ડોક્ટર અને એન્જીનીયર તો ગલીએ-ગલીએ રખડે છે અને આમ ને તેમ. બીજી બાજુ એવું પણ સાંભળીએ કે ભણાવવા જરૂરી છે. બાકી નોકરી નહી મળે અને એટલે કોઈ છોકરી નહી આપે કે પછી છોકરીને સારું સાસરું નહી મળે. જો આ બધી એક રીતે બકવાસ છે. એવા કારણોથી ભણાવવાની જરૂર નથી. પણ, એટલે ભણાવવા કારણકે ભણવાથી બાળકો માં અમુક વ્યવહારિક જ્ઞાન આવે છે. એને વાસ્તવિક દુનિયાનું ભાન થાય છે.પછી ભલે એ સાયન્સ કરે, કોમર્સ કરે કે પછી આર્ટસ કરે. બાકી લોકપ્રિય લેખક ચેતન ભગત ભણ્યો છે એન્જીનીયર નું અને અત્યારે દુનિયામાં એનું નામ પ્રરસિધ્ધ લેખક તરીકે લેવાય છે. એટલે શું એવું માનવાનું કે એન્જીનીયરનું ભણ્યો એ વેડફાય ગયું? ના. કહેવત છે કે કરેલું ક્યાય વિફલ જતું નથી. આ લેખક બનવામાં એન્જીનીયરીંગ કોલેજના અનુભવ જ એને કામ લાગ્યા હશે.

        બસ બાકી હવે છેલ્લે કહેવાનું કે એક માતા-પિતા તરીકે તમને થતું હશે કે બહાર અભ્યાસ માટે કેમ મુકવા? તો એક નાની વાત કહી દઉ કે. “ધનુષ અને બાણ બંને એક બીજા ને ખુબ પ્રેમ કરે છે. ધનુષ ને બાણથી છુટું નથી પડવું પણ નિશાનો લગાવવો હશે તો બાણ ને છોડવું જ પડશે ને. તમે ધનુષ છો અને તમારા બાળકો બાણ છે હવે વિચારી લેજો એમના જિંદગીના નિશાના તાકવા માટે તમારા બાળકો ને તમારાથી છુટા તો પાડવા જ પડશે.”


Column name: સમાજના શીખરેથી 
Newspaper: પ્રજાપતિ ગાથા




Comments